
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલે સમી તાલુકાના સમશેરપુરા ગામમાં વ્યસનમુક્તિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ, સમી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ની 'સ્વદેશી અપનાવો સમૃદ્ધિ વધારો' શિબિર અંતર્ગત યોજાયો.
નરેશભાઈએ અત્યાર સુધીમાં વ્યસનમુક્તિ અભિયાન હેઠળ 464 જાહેર કાર્યક્રમો દ્વારા સમાજમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, નશામુક્ત ભારત અભિયાન અને તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા, પાટણના માર્ગદર્શન હેઠળ યોજાયો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 'મારું ગામ વ્યસનમુક્ત, સ્વચ્છ અને સુંદર ગામ'ની નેમ સાકાર કરવાનો હતો. નરેશભાઈ પટેલ સાથે યુઝફુલ યોગી યુનિયનના પ્રમુખ મુકેશભાઈ યોગી અને ફાર્માસિસ્ટ વ્રજ પટેલે શિબિરાર્થીઓને તમાકુ, બીડી, સિગારેટ, ચલમ અને દારૂ જેવા વ્યસનોથી બચવા માર્ગદર્શન આપ્યું.
વ્યસનમુક્તિ સંદેશ ગામમાં રેલી અને શેરી નાટક દ્વારા વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો. ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી રહી, જેમાં મોતીભાઈ નામના એક ગ્રામીણે જાહેરમાં તમાકુ છોડવાની પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રોગ્રામ ઓફિસર પ્રો. જાગૃતિબેન પ્રજાપતિ અને અન્ય પ્રોફેસરો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ