
મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.)
આજરોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બેચરાજી મુકામે મહત્વપૂર્ણ સ્થળ મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન બેચરાજી–શંખલપુર સીસી રોડને બન્ને બાજુથી પહોળો કરવા અંગે ધારાસભ્યશ્રી સાથે સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું. માર્ગ પહોળાઈથી વાહન વ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બને, ટ્રાફિક સમસ્યા ઘટે તેમજ સ્થાનિક નાગરિકો અને ખેડૂતોને અવરજવર માટે સુવિધા મળે—આ હેતુ સાથે સ્થળ પર જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
સ્થળ મુલાકાત દરમિયાન રોડની હાલની સ્થિતિ, પહોળાઈની જરૂરિયાત, ડ્રેનેજ, સુરક્ષા વ્યવસ્થા તથા ભવિષ્યમાં વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખી આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિકારીઓને સર્વે, ડિઝાઇન અને કામની સમયમર્યાદા બાબતે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી.
આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીએ બેચરાજી સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. અહીં આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટેની સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આરોગ્ય કેન્દ્રને વધુ સુદૃઢ બનાવવા જરૂરી સુધારા અંગે સૂચનો આપવામાં આવ્યા અને નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે માટે સતત મોનીટરિંગ પર ભાર મૂકવામાં આવ્યો.
આ મુલાકાતથી વિસ્તારમાં માળખાકીય વિકાસ અને આરોગ્ય સેવાઓ બંનેને ગતિ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR