
જૂનાગઢ, 19 જાન્યુઆરી (હિ.સ.) હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તા. ૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ ક્યાંક ક્યાંક હળવા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આંબા પાકમાં મોર આવવાનો તબક્કો ચાલી રહ્યો હોવાથી આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને નુકશાન થવાની શક્યતા રહેલી છે.
આંબાના મોરનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે. આ દરમિયાન વધુ ભેજ તથા વરસાદ થવાથી ફળબંધાણમાં ઘટાડો થવાની સાથે ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદથી મોર લાંબા સમય સુધી ભીનો રહેતા ફૂલ અને નાની કણીઓ ઝડી જવી, પરાગનયન પ્રક્રિયામાં અડચણ ઊભી થવી તેમજ પાઉડરી મિલ્ડ્યુ (ભૂકી છારો) અને એન્થ્રાક્નોઝ (કાળવણ) જેવા રોગો ઝડપથી ફેલાવાની સંભાવના વધી જાય છે, જેના કારણે કેરી બેસાણ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.
આ સંજોગોમાં ખેડૂતો સલાહભર્યું રહેશે કે, વરસાદ આવતાં પહેલાં અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. આ માટે કાર્બેંડેઝિમ ૧ ગ્રામ પ્રતિ લીટર અથવા હેક્સાકોનાઝોલ ૧ મીલી પ્રતિ લીટર અથવા વેટેબલ સલ્ફર ૨ ગ્રામ પ્રતિ લીટર મુજબ દવાનો છંટકાવ કરવાથી રોગોનું અસરકારક નિયંત્રણ શક્ય બને છે. દવા સાથે સ્ટિકર ભેળવવાથી વધુ સારો પરિણામ મળે છે.
વરસાદ પહેલાં મોર નબળો ન પડે અથવા ફૂલ ખરી ન જાય તે માટે બોરોન ૦.૨ ટકા અને ઝીંક ૦.૫ ટકા જેવા સૂક્ષ્મ પોષક તત્વોના ફોલિયર સ્પ્રે કરવાથી મોર મજબૂત બને છે.
ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે યોગ્ય પાણી નિકાલ વ્યવસ્થા કરવી પણ અત્યંત આવશ્યક છે. બાગાયત વિભાગની ખેડૂતોને અપીલ છે કે બપોરની તીવ્ર ગરમી દરમિયાન દવાનો છંટકાવ ટાળવો, હવામાનની આગાહી અનુસાર પૂર્વ આયોજન કરવું તથા દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો. સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો કમોસમી વરસાદથી થતું નુકશાન ઘણી હદ સુધી અટકાવી શકાય છે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુ કૃષિભવન, નીલમ બાગ, બહુમાળી ભવનની સામે, જૂનાગઢ ખાતે અથવા ફોન નં. ૦૨૮૫-૨૬૩૫૦૧૯ પર સંપર્ક કરવો. તેમ નાયબ બાગાયત નિયામક જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ