
જૂનાગઢ,19 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને પોતાની ખેત પેદાશોનું વિદેશમાં નિકાસ કરવા માટે તક મળી રહે તેમ છે, આ માટે બાગાયતી કૃષિ કરતાં ખેડૂતોએ અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ, કેળા વિગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે સરગવો, ટામેટાં, મરચા, કાકડી, કેપ્સીકમ વિગેરેની ખેતી કરતાં ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જીલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનીક કાગળો જેવા કે 7-12,8 -અ, આધાર કાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વિગેરે જોડી જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ અરજી આપવાની રહેશે. ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ