
ગોધરા, 19 જાન્યુઆરી (હિ.સ.) : પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત ઉપર આગામી તા.૨૦/૦૧/૨૦૨૬ ના મંગળવારના રોજ રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન પાવાગઢ માંચી થી દુધીયા તળાવ સુધી કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં મોટા પ્રમાણમાં સ્પર્ધકો ભાગ લેનાર હોઈ, કોઈને અગવડ ન પડે અને કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાય નહી તે માટે ટ્રાફીકનું નિયમન કરવું જરૂરી હોવાથી પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૨૦ જાન્યુઆરીના મંગળવારના રોજ સવારના ૦૭-૦૦ કલાકથી ૧૧-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન પાવાગઢના માંચીથી દૂધીયા તળાવ સુધી ચાલતા જવાના પગથિયા ઉપર યાત્રાળુઓ/દર્શનાર્થીઓ/પ્રવાસીઓને ચઢવા-ઉતરવા ઉપર, પશુઓ દ્વારા સાધન સામગ્રી કે ચીજ વસ્તુઓના વહન કરવા કે અવર-જવર કરવા ઉપર તેમજ તળેટી થી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં તા.૨૦/૦૧/૨૦૨૬ ના મંગળવારના રોજ સવારના ૦૭-૦૦ કલાકથી ૧૧-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન ગુજરાત રાજય આરોહણ-અવરોહણની પાવાગઢ ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેનાર સાહસવીરો તથા સ્પર્ધાને સંલગ્ન સ્ટાફગણ માંચીથી દૂધીયા તળાવ સુધીના પગથિયા ઉપર અવર-જવર કરી શકશે.
આ પ્રતિબંધ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતાં વાહનો, એસ.ટી.બસો, સરકારી ફરજ પરના વાહનો, પીવાના પાણી તથા આરોગ્ય સેવાઓના ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહિં. અનિવાર્ય અને યથોચિત પ્રસંગોના કિસ્સામાં એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર- હાલોલની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ/વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ