
મહેસાણા, 19 જાન્યુઆરી (હિ.સ.) મિહિલ પટેલ ના અધ્યક્ષસ્થાને જાહેર આરોગ્ય સમિતિની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં સમિતિના તમામ સભ્યો તેમજ માનનીય સદસ્યો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ શહેરની જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, અસરકારક અને નાગરિકલક્ષી બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો.
મિટિંગ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની કાર્યક્ષમતા, સફાઈ અને સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થાઓ, રોગચાળાની અટકથામણ, મેડિકલ સુવિધાઓની ઉપલબ્ધતા, દવાઓનો પુરવઠો તેમજ આરોગ્ય કર્મચારીઓની કામગીરી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથે સાથે નાગરિકોને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે માટે નવી યોજનાઓ અને સુધારાત્મક પગલાં અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો.
માન. મિહિલ પટેલે જણાવ્યું હતું કે શહેરના દરેક નાગરિકનું આરોગ્ય સુરક્ષિત રહે તે અમારી પ્રાથમિકતા છે. આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે સમિતિ સતત મોનીટરિંગ કરશે અને જરૂરી ત્યાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત સદસ્યોએ પોતાના સૂચનો અને અનુભવ રજૂ કર્યા, જેને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
આ બેઠકથી જાહેર આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં સકારાત્મક પગલાં ભરવામાં આવ્યા હોવાનું સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR