
જામનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) :
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઈંટાળા ગામમાં એક જ રાતમાં ત્રણ મંદીરોમાંથી ચોરીથી ગામમાં ખળભળાટ મચી ગયો છે. તસ્કરોએ મંદીરોના તાળા તોડીને અંદર ઘુસીને ચાંદીના છત્તરો તેમજ ચાંદીની બે છરી મળીને કુલ રૂ.38,000ના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ ચોરીથી પોલીસમાં પણ દોડધામ મચી ગઈ છે. હજુ એક ચોરીનો ભેદ ઉકેલાયો છે, ત્યાં જ બીજી ચોરીથી ધ્રોલ પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મોટા ઈટાળા ગામમાં ગત તા.9ના રોજ તસ્કરોએ ગામના મેલડી માતાજીના મંદીરમાં રાત્રી દરમ્યાન દરવાજાનું મંદીર તોડીને અંદર ઘુસ્યા હતા. મંદીરમાં માતાજીના ચડાવેલ ચાંદીના છત્તર રૂ.3000ના તેમજ બે ચાંદીની નાની છરી રૂ.32,000 ચોરી કરી ગયા હતા. તેમજ ગામમાં જ આવેલા રામ મંદીરનું તાડુ તોડીને તેમાંથી એક ચાંદીનું છત્તર રૂ.1500 તેમજ સુરાપુરા દાદાના મંદીરમાંથી એક ચાંદીનું છત્તર રૂ.1500 મળીને કુલ રૂ.38,000ના ચાંદીના છત્તતર અને ચાંદીની બે છરીની ચોરી કરી ગયા હતા.
જે અંગેની મોટા ઇટાળા ગામમાં વિજય બાબુભાઈ ભંડેરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી.વઘોરાએ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
એક જ રાતમાં ગામના ત્રણ મંદીરોમાંથી ચોરી થતાં નાના એવા ગામમાં ચકચાર વ્યાપી ગઈ છે અને મંદીરમાંથી થયેલી ચોરીને ગામ માટે અશુભ માનવામાં આવી રહી છે. જેથી ગામમાં ચકચાર વ્યાપી ગઈ છે. તો બીજી બાજુ ગામ લોકોએ પણ ગામમાં આવન-જાવન કરનારાઓ ઉપર વોચ રાખી છે. ચોરીની આ ઘટનાથી ગામ સહિત ધ્રોલ પંથકમાં ભારે ચકચાર જાગી છે તો અન્ય ગામોમાં લોકોએ રાત્રી પહેરો વધારી દીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt