


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની સુચના તથા ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અને હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સલામતી અને જનજાગૃતિને ધ્યાનમાં રાખી સમયાંતરે ફાયર સેફટી અંગેની તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમોના માધ્યમથી અચાનક બનતી આગ જેવી અઘટીત ઘટનાઓ દરમિયાન જાનમાલના નુકસાનને કેવી રીતે અટકાવી શકાય તેની જરૂરી માહિતી લોકોને આપવામાં આવે છે. ત્યારે તાજેતરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એન.યુ.એલ.એમ. (નેશનલ અર્બન લાઇવલિહુડ મિશન) યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથોની બહેનો માટે વિશેષ ફાયર સેફટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન બહેનોને ઘર તેમજ ઘરની બહાર આગ લાગવાની શક્ય પરિસ્થિતિઓમાં કયા પ્રકારની તકેદારી રાખવી, પ્રાથમિક તબક્કે આગને કેવી રીતે નિયંત્રિત કરવી, ફાયરના સાધનોનો યોગ્ય ઉપયોગ, ગેસ સિલિન્ડર, વિજળીજન્ય આગ અને અન્ય જોખમી પરિસ્થિતિઓમાં શું કરવું અને શું ન કરવું તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કર્મચારીઓ દ્વારા તાલીમ દરમિયાન બહેનોને સ્વબચાવ સાથે સાથે આસપાસના લોકોની મદદ કેવી રીતે કરી શકાય તેની વ્યવહારુ માહિતી પણ આપવામાં આવી હતી, જેથી કોઈપણ અઘટીત ઘટના સર્જાય ત્યારે તેઓ ઘભરાયા વગર સમજદારીપૂર્વક કામગીરી કરી શકે અને જાનહાનિ ટાળવામાં મદદરૂપ બની શકે. આ પ્રકારની તાલીમથી બહેનોના આત્મવિશ્વાસમાં વધારો થવા સાથે સમાજ માટે ઉપયોગી બનવાની ભાવનાને પણ પ્રોત્સાહન મળે છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયમાં પણ એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત તેમજ અન્ય વિવિધ યોજનાઓ મારફતે આવા જનહિતલક્ષી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી નગરજનોમાં સલામતી અંગે જાગૃતિ ફેલાય અને શહેર વધુ સુરક્ષિત બની શકે તેવું ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya