


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ભાવપરા નજીક પાંચડેરા ખાતે રૂ. 1.04 કરોડના ખર્ચે ‘વડાલા નિંગોડ કેનાલ ટુ પાંચડેરા’ના મહત્વપૂર્ણ રેડિયલ કેનાલ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ પૂરો થવાથી વિસ્તારમાં ખેડૂતોની સિંચાઈ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને કૃષિ ઉત્પાદનમાં સીધો વધારો થશે.
કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સતત ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈ રહી છે. તાજેતરમાં કમોસમી વરસાદની પરિસ્થિતિમાં પણ સરકારે ખેડૂતોને એક હેક્ટર દીઠ 22 હજારની સહાય, મહત્તમ બે હેક્ટર મર્યાદા સાથે, તરત જ જાહેર કરીને મુશ્કેલીની ઘડીએ ખેડૂતોને આધાર આપ્યો છે.
વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે જિલ્લામાં વીજ પુરવઠા સંબંધિત લાંબા સમયથી પેન્ડિંગ રહેલા મુદ્દાઓના નિરાકરણ માટે રૂ. 80 કરોડના ખર્ચે 9 ફીડર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પગલે ચોમાસા દરમ્યાન આવતી વીજ સમસ્યાઓમાં મોટા પાયે સુધારો થશે. સાથે ભાવપરા ગામની માગણી મુજબના ગ્રામ્ય માર્ગોના નિર્માણ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.મંત્રીએ આગળ જણાવ્યું કે જિલ્લાના યુવાનોને રોજગારી માટે બહાર ન જવું પડે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થાય તે માટે ગાંધી કોરિડોર, સાંસ્કૃતિક વન, બીચ ડેવલપમેન્ટ, સાગરપક્ષી અભ્યારણ સહિતના પ્રવાસન ક્ષેત્રેના વિકાસના સરકારના આયોજનની વિગતો આપીને જિલ્લો પ્રવાસન ક્ષેત્રે આગળ વધે તે માટેના પ્રયાસોની વાત કરી હતી. અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરીયાએ પણ સરકારની ખેડૂત હિતલક્ષી નીતીઓની વાત કરી હતી.
ભાવપરાના પાંચડેરા ખાતે હાથ ધરાયેલ કેનાલ કામ પૂર્ણ થવાથી ભાવપરા-મિયાણી ગામના ખેડુતોની આશરે 500 હેક્ટર ફળદ્રુપ જમીનને સિંચાઈનો લાભ મળશે જેના કારણે ખેતીક્ષેત્રે ઉત્પાદનક્ષમતા વધારો થશે.
આ પ્રસંગે સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, ક્ષાર અંકુશ વિભાગના ઇજનેર પ્રતીક ઓડેદરા, ભાવપરા ગામના સરપંચ, તેમજ હાથીયાભાઈ ખુટી, ભુરાભાઈ કેશવાલા, પ્રતાપભાઈ કેશવાલા, વિરમભાઈ સહિતના સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya