અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે બે વીઘામાં શેરડી ઉગાડી એક સિઝનમાં 3 થી 4 લાખનું ઉત્પાદન મેળવ્યું
અમરેલી,02 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખભાઈ ડોબરીયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનો નવો દાખલો બેસાડ્યો છે. તેમણે બે વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શેરડીનું વાવેતર કરી એક સિઝનમ
અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે બે વીઘામાં શેરડી ઉગાડી એક સિઝનમાં 3 થી 4 લાખનું ઉત્પાદન મેળવ્યું


અમરેલી,02 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખભાઈ ડોબરીયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનો નવો દાખલો બેસાડ્યો છે. તેમણે બે વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શેરડીનું વાવેતર કરી એક સિઝનમાં અંદાજિત ત્રણથી ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવવાની શક્યતા દર્શાવી છે. હાલ શેરડીની કાપણી શરૂ થઈ ગઈ છે અને પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદન જોઈને આસપાસના ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે.

જયસુખભાઈ ડોબરીયાએ જણાવ્યું કે તેઓ માત્ર શેરડી પૂરતા સીમિત નથી, પરંતુ કુલ 17 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં બે વીઘામાં શેરડી અને બાકીના 15 વીઘામાં મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોનું ગાય આધારિત પ્રાકૃતિક વાવેતર કરવામાં આવે છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહી માત્ર દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર, જીવામૃત, ઘનજીવામૃત અને કુદરતી ઉપચારોનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં શેરડીનો પાક ખૂબ જ સારો રહ્યો છે. એક વીઘામાં અંદાજિત 1,50,000 થી 2,00,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહ્યું છે. આ રીતે બે વીઘામાંથી એક સિઝનમાં ત્રણથી ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન થવાની આશા છે. ખાસ વાત એ છે કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ખૂબ જ ઓછો રહે છે, જેના કારણે નફો વધુ મળે છે.

શેરડી સિવાય અન્ય પાકોમાં પણ પ્રાકૃતિક ખેતીના સારા પરિણામો મળી રહ્યા છે. મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોમાં એક વીઘે એક સિઝનમાં અંદાજિત 40,000 થી 50,000 રૂપિયાનું ઉત્પાદન સરળતાથી મળી રહે છે. રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં જમીનની ઉપજ શક્તિ વધે છે, પાણીની જરૂરિયાત ઘટે છે અને લાંબા ગાળે જમીન વધુ ઉપજાઉ બને છે.

જયસુખભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી માત્ર આર્થિક ફાયદો જ નહીં પરંતુ આરોગ્ય અને પર્યાવરણને પણ લાભ થાય છે. જમીનમાં જીવાણુઓ વધે છે, પાક સ્વસ્થ રહે છે અને ઉત્પન્ન થતી ઉપજ સ્વાદિષ્ટ તેમજ આરોગ્યદાયક હોય છે. બજારમાં પણ પ્રાકૃતિક રીતે ઉગાડેલ પાકની માંગ વધતી જઈ રહી છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળી શકે છે.

આજના સમયમાં જ્યારે ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે જયસુખભાઈ ડોબરીયા જેવા પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. ઓછા ખર્ચે વધુ નફો અને ટકાઉ ખેતીનો માર્ગ પ્રાકૃતિક ખેતી દ્વારા શક્ય છે, એ વાત તેમણે પોતાના અનુભવથી સાબિત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande