
પાટણ, 20 જાન્યુઆરી (હિ.સ.)પાટણના મોઢ મોદી (ઘાંચી) જ્ઞાતિ સમાજ દ્વારા વસંતપંચમીના પાવન અવસરે તારીખ 23 જાન્યુઆરી 2026, શુક્રવારના રોજ કુળદેવી બહુચર માતાજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની પરંપરા મુજબ યોજાતો આ મહોત્સવ રામશેરી, રાજકાવાડો સ્થિત બહુચર માતાજીના મંદિરે સંપન્ન થશે.
મહોત્સવની શરૂઆત 22 જાન્યુઆરી 2026, ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે સંગીત સંધ્યા, રાસ-ગરબા સાથે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જ્ઞાતિના ભાઈ-બહેનો ઉત્સાહભેર ભાગ લેશે.
મુખ્ય દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ વહેલી સવારથી ધાર્મિક વિધિઓ યોજાશે. સવારે 5:15 કલાકે પ્રથમ દ્વાર ખુલવાના દર્શન, 6:00 કલાકે સાડી પહેરામણી, 7:00 કલાકે આંગીના દર્શન, 8:30 કલાકે ધજા આરોહણ, 10:15 કલાકે હવન અને બપોરે 1:15 કલાકે શ્રીફળ હોમવાની વિધિ બાદ માતાજીની પાલખીમાં પધરામણી કરવામાં આવશે.
માતાજીની શોભાયાત્રા બપોરે 3:15 કલાકે રામશેરી સ્થિત નિજ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના નિર્ધારિત માર્ગો પરથી નગરચર્યા કરીને રાત્રે 9:00 કલાકે પરત ફરશે. યાત્રા દરમિયાન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાંજે 6:00 કલાકે એકતા ગ્રુપ દ્વારા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ