રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા
ગીર સોમનાથ 20 જાન્યુઆરી (હિ.સ.) પ્રભાસપાટણના ‘સદભાવના મેદાન’ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજી સાથે રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત, યુવા, સાંસ્
રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ


ગીર સોમનાથ 20 જાન્યુઆરી (હિ.સ.) પ્રભાસપાટણના ‘સદભાવના મેદાન’ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજી સાથે રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત, યુવા, સાંસ્કૃતિઓ વિભાગના સહયોગથી ૬૯મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં સાંસદએ ટૉસ ઉછાળી અંડર-૧૭ ગર્લ્સની ગુજરાત અને દિલ્હી વચ્ચેની લીગ મેચ થી પ્રારંભ કરાવ્યો હતો.

સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ખેલાડીઓ સહિત મહેમાનોને આવકારતાં જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું છે ત્યારે તમામ ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે એવી શુભકામનાઓ પાઠવું છું.

તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ઉત્તમ કાર્ય કરતા નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં રમતગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓને વેગ મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાવંત ખેલાડીઓ પાછળ ન રહે તે માટે 'ખેલ મહોત્સવ'ની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓ પણ દેશનું નામ રોશન કરી રહ્યાં છે. હાલના સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન હોય કે હોય આરોગ્ય ક્ષેત્ર, તમામ ક્ષેત્રમાં ગુજરાતે માળખાગત વિકાસ સાધી રહ્યું છે.

મોબાઈલમાં નહીં, મેદાનમાં રહીએ' નો મંત્ર આપતા સાંસદશ્રીએ ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મોબાઈલનો ઉપયોગ ઓછો કરી અને 'મોબાઈલમાં નહીં, મેદાનમાં રહીએ'. સતત પ્રેક્ટિસ કરવાથી જ પ્રતિભા ઉત્કૃષ્ટ રીતે ખીલશે અને ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે. આમ જણાવી તમામ ખેલાડીઓ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવે એવી શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે આજે શરૂ થયેલી ૬૯મી નેશનલ સ્કૂલ ગેમ્સના સંદર્ભમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારની ગેમ પ્રથમવાર યોજાઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર માટે આ આનંદનો અવસર છે અને તંત્ર દ્વારા ખેલાડીઓ તેમજ કોચ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે, આ પ્રકારની ગેમનું આયોજન છેવાડાના જિલ્લામાં કરવામાં આવ્યું છે. આજે અંડર-૧૭ ગર્લ્સની મેચો ચાલુ થઈ છે અને આગામી ૨૭મી તારીખથી અંડર-૧૯ બોય્ઝની પણ ગેમની શરૂઆત કરવામાં આવશે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

સોમનાથ પધારેલા ખેલાડીઓમાં પણ જોમ જુસ્સો અને ઉમંગ જોવા મળી રહ્યો છે અને આ ગેમ ચોક્કસ રોમાંચક બની રહેશે. જિલ્લાના પ્રતિભાવંત ખેલાડીઓને આ ગેમમાં આગળ વધવા માટે તેમજ રમતગમતમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે આ સ્પર્ધા એક ચોક્કસ પ્લેટફોર્મ પૂરું પાડશે તેવો વિશ્વાસ કલેક્ટરશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત હેન્ડબોલ એસોસિએશન અધ્યક્ષ સનમ પટેલે સોમનાથની ધરા પર તમામ ખેલાડીઓનું ઉષ્માપૂર્ણ શાબ્દિક સ્વાગત કરી ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.

નેશનલ હેન્ડબોલ સ્પર્ધાના પહેલા દિવસે કુલ ચાર મેચ આયોજીત થઈ હતી. પહેલી મેચ ગુજરાત અને દિલ્હી વચ્ચે જ્યારે અન્ય મેચમાં હરિયાણા અને પંજાબ, બિહાર અને સી.બી.એસ.ઈ. વેલ્ફેર સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન તેમજ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાડવામાં આવી હતી.

સ્પર્ધાને ખુલ્લી મુકતાં પહેલાં 'અતિથિ દેવો ભવઃ' ને ચરિતાર્થ કરતા નેશનલ હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા અન્ય રાજ્યોના તમામ ખેલાડીઓ, કર્મચારીઓ અને મહેમાનોનું સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સ્વાગત કરાયું હતું.

સેન્ટ મેરી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શાનદાર બેન્ડની સુરાવલીઓ વચ્ચે તેમજ ગીર સોમનાથ જિલ્લાના ઘરેણાં સમાન સીદી સમુદાયના પરંપરાગત ધમાલ નૃત્ય, વરસિંગપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ યોગનિદર્શન, માળિયાના હાટી ક્ષત્રિય દાંડિયારાસ ગૃપ દ્વારા તલવાર-લાઠી દાંડિયા રાસ સહિતની રંગારંગ પ્રસ્તુતિઓથી મહેમાનોનું દમદાર સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વિવિધ રાજ્યોના ખેલાડીઓની રંગારંગ ધ્વજ સાથેની માર્ચપાસ્ટ અને આતશબાજી પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ઉલ્લેખનીય છેકે, સદભાવના મેદાન ખાતે અંડર-૧૭ બહેનો માટે તા.૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન અને અંડર-૧૯ ભાઈઓ માટે તા.૨૭ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી લીગ અને નૉકઆઉટ સ્પર્ધાઓ યોજાશે.

આ સ્પર્ધા માટે સોમનાથના આંગણે પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન, પંજાબ, મણીપુર, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી દેશના વિવિધ રાજ્યોના ૬૦૦ જેટલા ખેલાડીઓ અને ૧૦૦ થી વધુ કર્મચારીઓ પધાર્યા છે.

આ તકે, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દાહોરા, જિલ્લા રમતવિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણા, અગ્રણીઓ સહિત કોચ, ટ્રેનર્સ, ટેકનિકલ, ઓફિશ્યિલ સપોર્ટીંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande