
સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.)-સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યાની ઘટના સામે આવી છે. મંગળવાર (20 જાન્યુઆરી) સવારે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે લાંબા સર્ચ ઓપરેશન બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સવારે એક અજાણ્યો યુવક બ્રિજ પર આવ્યો હતો અને અચાનક નદીમાં ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગને માહિતી અપાઈ હતી. મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ બોટ અને સુરક્ષા સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી અને નદીમાં શોધખોળ શરૂ કરી હતી.
કલાકોની મહેનત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો, જેને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલ યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિવારનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુવકે આ પગલું કેમ ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે