કરજાળા ગામની ગૌશાળા: છેલ્લા 20 વર્ષથી નિશુલ્ક સેવાના ભાવથી, બીમાર અને નિરાધાર ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા
અમરેલી,20 જાન્યુઆરી (હિ.સ.)હેડલાઈન:અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં છેલ્લા વીસ વર્ષથી નિઃસ્વાર્થ ભાવથી ચાલી રહેલી ગૌશાળા આજે માનવતા અને ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ બની છે. આ ગૌશાળાની ખાસિયત એ છે કે અહીં કોઈ પણ જીવ પર કોઈની માલિકી નથી. ર
કરજાળા ગામની ગૌશાળા: છેલ્લા 20 વર્ષથી નિશુલ્ક સેવાના ભાવથી બીમાર અને નિરાધાર ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા


અમરેલી,20 જાન્યુઆરી (હિ.સ.)હેડલાઈન:અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં છેલ્લા વીસ વર્ષથી નિઃસ્વાર્થ ભાવથી ચાલી રહેલી ગૌશાળા આજે માનવતા અને ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ બની છે. આ ગૌશાળાની ખાસિયત એ છે કે અહીં કોઈ પણ જીવ પર કોઈની માલિકી નથી. રસ્તા પર રેઢીયાર બનેલી, બીમાર, નિરાધાર અને ભટકતી ગાયોને આશ્રય આપી તેમની સંપૂર્ણ સંભાળ લેવામાં આવે છે.

કરજાળા ગામના નિમેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે અમારા ગામમાં આ ગૌશાળાની સ્થાપના ચતુર ભગતે કરી હતી. ચતુર ભગત છેલ્લા બે દાયકાથી કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ કે સ્વાર્થ વગર ગૌસેવામાં જોડાયેલા છે. તેમની આગેવાનીમાં ગૌશાળા સતત ચાલી રહી છે અને આજે પણ એ જ ભાવનાથી સેવા કાર્ય આગળ વધે છે. ગૌશાળામાં આવતી ગાયો માટે ખોરાક, પાણી, દવાઓ અને જરૂરી સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે.

નિમેશભાઈએ વધુમાં જણાવ્યું કે આજના સમયમાં ગાયો અનેક રીતે દુઃખી છે. રસ્તા અકસ્માત, રોગચાળો, ભૂખ અને તરસ જેવી અનેક સમસ્યાઓથી ગાયોની હાલત ખરાબ છે. પરંતુ કરજાળા ગામની અંદર આવેલી આ ગૌશાળા છેલ્લા 20 વર્ષથી નિશુલ્ક સેવાના ભાવથી ચાલી રહી છે, જ્યાં કોઈ પણ બીમાર કે નિરાધાર પશુને પાછું ન મોકલવામાં આવે. અહીં માનવીય ભાવનાથી દરેક જીવની સેવા કરવામાં આવે છે.

હાલમાં ગૌશાળામાં અંદાજે સાડા ત્રણસો જેટલા ગાયો અને અન્ય પશુઓની સંભાળ લેવામાં આવી રહી છે. આટલા મોટા પ્રમાણમાં સેવા કાર્ય થવા છતાં ગામના લોકોનો સહકાર ખૂબ જ સરાહનીય છે. ગામવાસીઓ સમયાંતરે ઘાસચારો, દાણો, આર્થિક સહાય અને શ્રમદાન કરીને ગૌશાળાને સહારો આપે છે. બાર મહિને એક વખત તો ગામમાંથી ગાડી ભરીને સહાયરૂપ સામગ્રી ગૌશાળાને આપવામાં આવે છે.

ગૌશાળાને સરકારની વિવિધ યોજનાઓમાંથી પણ ફંડ મળે છે, જેના કારણે સારવાર અને જતનની કામગીરી વધુ સુચારુ રીતે ચાલી રહી છે. નિમેશભાઈ જણાવે છે કે નવા અને જુના બંને ગામના લોકોની મંડળી ખૂબ સારી છે અને સેવા કાર્યમાં સૌ કોઈ દિલથી જોડાયેલું છે. કોઈપણ તહેવાર કે ખાસ અવસર પર ગૌશાળાની યાદ આવતી હોય છે અને લોકો પોતાની રીતે સહયોગ આપે છે.

કરજાળા ગામની આ ગૌશાળા માત્ર એક સંસ્થા નથી, પરંતુ તે ગૌમાતા પ્રત્યેની શ્રદ્ધા, માનવતા અને સામૂહિક સેવાની ભાવનાનું જીવતું ઉદાહરણ છે. છેલ્લા વીસ વર્ષથી અવિરત ચાલી રહેલી આ નિશુલ્ક સેવા આજે આસપાસના વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande