
અમરેલી,20 જાન્યુઆરી (હિ.સ.) ખાંભા તાલુકાના નાની ધારી ગામમાં મધરાત્રે અચાનક દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. પ્રતાપભાઈ માંજરીયાના મકાનમાં દીપડો ઘૂસતાં જ પરિવારજનોએ સતર્કતા દાખવી એક રૂમનો દરવાજો બંધ કરી દીધો, જેથી કોઈ જાનહાનિ ન બને. દીપડો ઘરની ઓરડીમાં પુરાઈ જતા તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
જાણ મળતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીપડાને બહાર ન નીકળે તે માટે સાવચેતી રાખવામાં આવી. લગભગ દોઢ કલાકની કઠિન જહેમત બાદ વનવિભાગે દીપડાને ટ્રાન્ક્યુલાઈઝ કરી સફળતાપૂર્વક પાંજરે પુર્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન ગામલોકો પણ ભય અને ચિંતા સાથે ઘટનાને નિહાળી રહ્યા હતા.
દીપડાને પાંજરે પુર્યા બાદ તેને સલામત રીતે આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યો હતો. દીપડો કાબૂમાં આવ્યા બાદ નાની ધારી ગામમાં હાશકારો ફેલાયો હતો. વનવિભાગની ઝડપી કાર્યવાહી અને સમજદારીના કારણે કોઈ માનવીય નુકસાન થયું ન હોવાથી ગામલોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai