
અમરેલી,20 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં ખેતીના ક્ષેત્રે નવીનતા સાથે ખેડૂતો હવે પરંપરાગત ખેતીથી આગળ વધી મિશ્ર ખેતી તરફ વળ્યા છે. ખાસ કરીને સૂર્યમુખી જેવા ઓછા ખર્ચે અને ઓછી સંભાળમાં તૈયાર થનારા પાકને મિશ્ર ખેતી તરીકે અપનાવી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. લાઠી તાલુકાના સાજણ ટીંબા ગામે સૂર્યમુખીની મિશ્ર ખેતી તેનું ઉત્તમ ઉદાહરણ બની છે.
સાજણ ટીંબા ગામ ખાતે કુલ 29 વીઘા જમીનમાં સૂર્યમુખીનું મિશ્ર ખેતી તરીકે વાવેતર કરવામાં આવ્યું છે. આ ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં રસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કર્યા વિના છાણીયા ખાતરનો ઉપયોગ કરીને પાક ઉગાડવામાં આવ્યો છે. ખેતી પદ્ધતિમાં પાંચ ફૂટના અંતરે સૂર્યમુખીનું વાવેતર કરવામાં આવતા છોડને પૂરતું પોષણ અને જગ્યા મળી રહી છે, જેના કારણે ઉત્પાદન સારું મળી રહ્યું છે.
આ ખેતી વિશે માહિતી આપતા અભયભાઈ ખુગલા જણાવે છે કે તેઓ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યા બાદ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સાજણ ટીંબા ગામે રહે છે અને ધોળકિયા ફાઉન્ડેશનમાં ખેતી મેનેજર તરીકે ફરજ બજાવે છે. સાજણ ટીંબા ગામ ખાતે આવેલી જમીનમાં બાબુના છોડ સાથે મિશ્ર ખેતીમાં ચણા અને સૂર્યમુખીનું વાવેતર કરવામાં આવ્યું છે. બાબુ (બાંબુ)નું ઉત્પાદન શરૂ થવામાં આશરે આઠ વર્ષનો સમય લાગતો હોવાથી ત્યાં સુધી મજૂરી અને જાળવણી ખર્ચ કાઢવા માટે સૂર્યમુખીનો પાક એક ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે.
અભયભાઈ જણાવે છે કે, એક સૂર્યમુખીના ફૂલમાંથી આશરે 500 ગ્રામથી લઈને 1 કિલો સુધીનું ઉત્પાદન મળે છે. બજારમાં સૂર્યમુખીના દાણાનો ભાવ 20 કિલો માટે 800 રૂપિયા થી લઈને 1200 રૂપિયા સુધી મળી રહે છે, જેના કારણે ખેડૂતોને સારી આવક થાય છે. હાલ 29 વીઘામાં વાવેતર કરાયેલ સૂર્યમુખીની કાપણી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના પરિણામો ખેડૂતો માટે ઉત્સાહજનક સાબિત થયા છે.
સૂર્યમુખીનો પાક કોઈ પણ ખેતી પદ્ધતિમાં સરળતાથી મિશ્ર રૂપે ઉગાડી શકાય છે. ઓછો સમય, ઓછો ખર્ચ અને સારો બજાર ભાવ હોવાના કારણે આ પાક ખેડૂતો માટે આવક વધારવાનો મહત્વપૂર્ણ સાધન બની રહ્યો છે. અમરેલી જિલ્લામાં સૂર્યમુખીની મિશ્ર ખેતી હવે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai