
અમરેલી,20 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરીયા ગામે રાત્રિના સમયે બે સિંહો અચાનક પહોંચી જતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. શિકારની શોધમાં આવેલા સિંહોએ ગામની ગોપાલ ગૌશાળા નજીક ચક્કર લગાવ્યા હતા. ગૌશાળા આસપાસ સિંહોની લટારથી ત્યાં રહેલા પશુઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો, જ્યારે ગૌશાળા સંચાલકો અને સ્થાનિક લોકો ચિંતિત બન્યા હતા.
રાત્રિ દરમિયાન ગૌશાળાની બહાર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં બંને સિંહો સ્પષ્ટ રીતે કેદ થયા હતા. વીડિયોમાં સિંહો શાંતિથી ગૌશાળા આસપાસ ફરી રહ્યા હોવાનું જોવા મળ્યું, પરંતુ કોઈ પશુ પર હુમલો કર્યો ન હતો. લાંબા સમય સુધી ગૌશાળા આસપાસ ફરી શિકારની તક ન મળતા અંતે બંને સિંહોને શિકાર વિના પરત ફરવું પડ્યું હતું.
સીસીટીવીમાં કેદ થયેલા સિંહોના દૃશ્યો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા છે, જેને કારણે લોકોમાં ફરી એકવાર સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વનવિભાગને પણ જાણ કરી હતી અને રાત્રિના સમયે બહાર ન નીકળવા અપીલ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની વધતી અવરજવરથી લોકોમાં ભય સાથે જ સાવચેતી રાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai