
રાજકોટ,20 જાન્યુઆરી (હિ.સ.) આગામી પ્રજાસત્તાક પર્વની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં યોજાશે, જેના આયોજન અંગે પ્રાંત અધિકારી ચાંદની પરમારના અધ્યક્ષસ્થાને જૂની કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગરિમામય રીતે થાય, તે અંગે સંબંધિત તમામ સરકારી વિભાગના અધિકારીઓને ચાંદની પરમારે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
23 જાન્યુઆરીએ ચૌધરી મેદાન ખાતે યોજાનારા રીયલ ટાઇમ રિહર્સલમાં સંબંધિત અધિકારીઓને ઉપસ્થિત રહેવા તેમણે તાકીદ કરી હતી.
પ્રજાસત્તાક પર્વની શહેર કક્ષાની ઉજવણીમાં દરેક સરકારી વિભાગ પોતાની સોંપાયેલ કામગીરી સમયસર પૂર્ણ કરે તે અંગે પ્રાંત અધિકારી ચાંદનીબેને સૂચનાઓ આપી હતી.
કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્લાટુન, જીપ, વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓનું સન્માન, ફાયર, એન.સી.સી. હોમગાર્ડઝ વગેરે વિભાગોને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પ્રાંત અધિકારીશ્રીએ આદેશો આપ્યા હતા. અને રિહર્સલમાં સમયસર સામેલ થવા જણાવ્યું હતું.
આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગે રચાયેલી વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ