
- પાણી લગત યોજના અંતર્ગત કુલ 17.99 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી
રાજકોટ,20 જાન્યુઆરી (હિ.સ.) કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો) ની જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી.
કલેક્ટરએ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા રજુ કરાયેલા કામોની સમીક્ષા હાથ ધરી હતી. જેમાં જરૂરી ટેન્ડર પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. ગ્રાન્ટના અભાવે કોઈ કામગીરીમાં વિલંબ ન આવે તે માટે પણ ખાસ સૂચના આપી હતી.
વધુમાં સંપ દ્વારા ગામમાં વિતરણ કરવામાં આવતા પાણીનું સમયાંતરે ટેસ્ટિંગ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરી હતી.
બેઠકમાં ગ્રામ્ય કક્ષાએ પાણી વિતરણ વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બને તે હેતુસર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અમલવારી થતા રીજુવેશન કાર્યક્રમ હેઠળના કામો, અન્ય સરકારી ગ્રાન્ટના તમામ પ્રકારના ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા યોજનાના કામો, તેને મંજુરી આપવી, અંદાજો તૈયાર કરવા, “જલઅર્પણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાદીઠ ૨ ગામો પસંદ કરવા બાબતે તેમજ “જલસેવા આંકલન” અંગે ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ પર એન્ટ્રી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત કુલ 17,99,831 ના ખર્ચે વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત કુવા પર પંપીગ મશીનરીનું કામ, પાવર કનેક્શન, પાઇપલાઇનની કામગીરી, નવીન સંપ માટે પાવર કનેક્શન આપવાની કામગીરી સહિત વિવિધ કામગીરી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ