
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) : જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીએ સતલાસણા તાલુકોના તખતપુરા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રમાં ચાલી રહેલી કામગીરી, બાળકોને મળતી સુવિધાઓ તેમજ સરકારની મહિલા અને બાળ વિકાસ સંબંધિત યોજનાઓનું યોગ્ય અમલીકરણ થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવાનો હતો.
મુલાકાત દરમિયાન અધિકારીએ આંગણવાડી કેન્દ્ર ખાતે નિભાવવામાં આવતાં તમામ મહત્વપૂર્ણ રજીસ્ટરોની વિગતવાર ચકાસણી કરી હતી. જેમાં બાળકોની હાજરી રજીસ્ટર, પોષણ આહાર વિતરણ રજીસ્ટર, ગર્ભવતી અને ધાત્રી માતાઓના આરોગ્ય સંબંધિત રજીસ્ટર, વૃદ્ધિ મોનીટરીંગ અને અન્ય નોંધપોથીઓનો સમાવેશ થાય છે. રજીસ્ટરો નિયમિત રીતે અને યોગ્ય રીતે અપડેટ કરવામાં આવી રહ્યા છે કે નહીં તેની ખાસ તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, અધિકારીએ આંગણવાડી કાર્યકરને જરૂરી સૂચનાઓ આપી, બાળકોના પોષણ પર વિશેષ ધ્યાન આપવા, સ્વચ્છતા જાળવવા, તેમજ સરકારની યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે વધુ જાગૃતતા ફેલાવવાની તાકીત કરી હતી. આ મુલાકાતથી આંગણવાડી કેન્દ્રની કામગીરી વધુ સુદૃઢ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR