



- ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો કેમ્પ
ભરૂચ, 04 જાન્યુઆરી (હિ.સ.) : ભરૂચ જિલ્લાના પત્રકારોને સંગઠિત રાખી તેમના આરોગ્ય, પરીવાર કલ્યાણ અને ફિલ્ડમાં સાથે રહી કાર્ય કરવા ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સ્થાપના 10 વર્ષ પહેલા કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા સામાજિક કાર્યો, આરોગ્ય શિબિર, ચોપડા અને કપડા વિતરણ, વિવિધ કેમ્પ ,વૃક્ષારોપણ વગેરે કાર્યો થયા છે ત્યારે દ્રષ્ટીને લગતા રોગનું નિદાન અને સારવાર નિઃશુલ્ક થાય તેવા એક પ્રયાસના ભાગરૂપે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત સહકાર થકી સચ્ચિદાનંદ શાળામાં નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સર્વજન સુખાય સર્વજન હિતાયના આશયથી રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન આધુનિક સ્ટીચલેસ ટેકનિક દ્વારા 321 દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.જેમાંથી 250 આંખના દર્દીઓના નંબરની તકલીફ હોવાથી મફત ચશ્મા અપાયા હતા. આંખ તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા હોવાનું 40 જેટલા દર્દીઓનું નિદાન થયું હતુ તેવા તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નારાયણ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવશે. તેમજ જેમને વેલ (પાંપણ/આંખની અન્ય સમસ્યા)ની જરૂરિયાત છે તેમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોક્ટર તરીકે સ્નેહલ સોઢીયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી .આ સેવાઓના માધ્યમથી આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી હતી.
આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ કેમ્પને મળેલ સફળ પ્રતિસાદ બદલ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી અને જન સૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વર પરમાર દ્વારા નારાયણ હોસ્પિટલ અને સચ્ચિદાનંદ શાળા ટ્રસ્ટ તેમજ તમામ સહયોગીઓ, ડૉક્ટરો અને હાજર રહેલ નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી , મુનીર પઠાણ, જયશિલ પટેલ, ફહામી મોતીવાલા, પ્રકાશ મેકવાન, ઇફતકાર સૈયદ, ગૌતમ ડોડીયા, વાહીદ મસદી, કૃણાલ કામલે,જનક સોની, કેતન રાણા, હરેશ પુરોહિત, આરીફ ડોક્ટર, રાકેશ ચોમલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ