
પાટણ, 04 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુરમાં મહેસાણા હાઈવે પર આવેલી પ્રિન્સ હોટલ પાસે જૂની અદાવતના કારણે જમીન વ્યવસાય કરતા પ્રભાતભાઈ જામાભાઈ રબારી પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ₹50 લાખની ખંડણી માગી હતી.
આ ઘટના 3 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રિના 1:30 થી 2:00 વાગ્યાની વચ્ચે બની હતી. GJ 18 BR 5571 નંબરની ઇનોવા ગાડીમાં હથિયારો સાથે આવેલા આરોપીઓએ પ્રભાતભાઈ નાણાં આપવાનો ઇનકાર કરતાં લાકડીઓ વડે માર માર્યો હતો.
હુમલા દરમિયાન એક આરોપીએ રિવોલ્વર લોડ કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ વચ્ચે પડતાં મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનામાં પ્રભાતભાઈ અને તેમના ભાઈ જોરાભાઈને માથા તથા શરીરે ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે સામવેદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી પાંચ આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે બે શખ્સો ફરાર થયા હતા. રાધનપુર પોલીસે કુલ સાત આરોપીઓ સામે હથિયાર ધારા અને જી.પી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ