
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) કલેક્ટરે આંકલીયારા ગામ, સતલાસણા તાલુકોની મુલાકાત લઈ ગામના વહીવટી તેમજ વિકાસ સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગામના મહત્વના રેકર્ડોની ચકાસણી કરી સામાન્ય દફ્તર તપાસણી ફોર્મ ભરી જરૂરી નોંધો કરી હતી. રેકર્ડની ચોકસાઈ, સમયસર અપડેશન અને નિયમિત જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓ, પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણની સ્થિતિ, બાળકોને મળતું પોષણ, મધ્યાહન ભોજન યોજનાની કામગીરી, જાહેર પુરવઠા વ્યવસ્થા તથા મહેસુલી બાબતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓ પાસેથી હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મુલાકાતનો મહત્વપૂર્ણ ભાગ તરીકે કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રામજનોએ પીવાનું પાણી, રસ્તા, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, શાળા સુવિધાઓ અને અન્ય વિવિધ વિકાસના કામોને લઈ પોતાની રજૂઆતો કરી હતી. કલેક્ટરે રજૂ થયેલ પ્રશ્નોનો તબક્કાવાર ઉકેલ લાવવા અને ગામના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે તંત્રને દિશાનિર્દેશ આપ્યા હતા. આ મુલાકાતથી વહીવટી પારદર્શિતા વધશે તેમજ આંકલીયારા ગામના વિકાસકાર્યોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR