
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટર અધિકારીએ સતલાસણા તાલુકોના તખતપુરા ગામની મુલાકાત લઈ ગામના વહીવટી અને વિકાસ સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન અધિકારીએ ગામના મહત્ત્વના રેકર્ડની ચકાસણી કરી હતી તેમજ સરકારના નિર્ધારિત માપદંડ મુજબ એપેન્ડીક્ષ-એ ફોર્મ ભરી જરૂરી નોંધ કરી હતી.
આ દરમિયાન ગામમાં ચાલી રહેલી આરોગ્ય સેવાઓ, શાળાઓની સ્થિતિ, શિક્ષણની ગુણવત્તા, બાળકોને મળતું પોષણ, મધ્યાહન ભોજન યોજનાની કામગીરી, પુરવઠા વ્યવસ્થા તેમજ મહેસુલી બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અધિકારીએ સંબંધિત અધિકારીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાતનો મહત્વપૂર્ણ ભાગ તરીકે જિલ્લા કલેક્ટર અધિકારીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રામજનોએ પોતાની સમસ્યાઓ, જરૂરિયાતો અને વિકાસ સંબંધિત માંગણીઓ રજૂ કરી હતી. રસ્તા, પાણી, સ્વચ્છતા, વીજળી, આરોગ્ય સેવાઓ અને અન્ય વિવિધ વિકાસના કામોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીએ રજૂ થયેલ મુદ્દાઓનો યોગ્ય રીતે ઉકેલ લાવવા અને વિકાસ કાર્યોને ગતિ આપવા માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાતથી ગામના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR