
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટરે આંકલીયારા ગામ, સતલાસણા તાલુકો ખાતે આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક તથા વહીવટી કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મળતી શિક્ષણ સુવિધાઓ, શાળાનું ભૌતિક માળખું તથા સરકારની શિક્ષણ સંબંધિત યોજનાઓનો યોગ્ય અમલ થઈ રહ્યો છે કે નહીં તેની તપાસ કરવાનો હતો.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે વર્ગખંડોની સ્થિતિ, બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, શૌચાલય, સ્વચ્છતા તેમજ શાળાની આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી અભ્યાસક્રમ, શિક્ષણની ગુણવત્તા અને શાળામાં મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત મધ્યાહન ભોજન યોજનાની કામગીરી, ગુણવત્તા અને નિયમિતતા અંગે પણ તપાસ કરવામાં આવી હતી.
શાળાના શિક્ષકો સાથે ચર્ચા કરી હાજરી, અભ્યાસની પ્રગતિ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે શિક્ષણની ગુણવત્તા વધુ સુધારવા, બાળકોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા અને શાળાનું શૈક્ષણિક વાતાવરણ વધુ સકારાત્મક બનાવવાની સૂચનાઓ આપી હતી. આ મુલાકાતથી શાળાની કામગીરી વધુ સશક્ત બનશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR