
જામનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) :
જામનગર તાલુકાના જીવાપર ગામે પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રસાર માટે ખેડૂતો માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતી ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે અત્યંત ઉપયોગી એવા 'જીવામૃત' બનાવવાની પદ્ધતિ વિશે ખેડૂતોને લાઈવ ડેમો દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ તાલીમ દરમિયાન ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક ખેતી બોર્ડના નિષ્ણાંત સ્ટાફ દ્વારા ખેડૂતોની નજર સમક્ષ જ જીવામૃત તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને માટીને યોગ્ય માત્રામાં મિશ્ર કરી, વિવિધ તબક્કાવાર પ્રક્રિયા બાદ કેવી રીતે ગુણવત્તાયુક્ત જીવામૃત બનાવી શકાય તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત તૈયાર થયેલા જીવામૃતને પાકમાં કઈ રીતે અને કયા સમયે છાંટવું તેની વિવિધ પદ્ધતિઓ વિશે પણ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમમાં જીવામૃતના ઉપયોગથી જમીનને થતા ફાયદાઓ પર વિશેષ ભાર મૂકતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, જીવામૃતના ઉપયોગથી જમીનમાં અળસિયા અને ઉપયોગી સુક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ વધે છે, જે જમીનમાં કુદરતી તત્વોને પુનઃજીવિત કરે છે.
ખેડૂતો મોંઘીદાટ રાસાયણિક દવાઓ અને ખાતરો પાછળ ખર્ચ કરવાને બદલે ઘરે જ તૈયાર થતા કુદરતી જંતુનાશકોનો ઉપયોગ કરે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt