
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા સ્થિત જિલ્લા ભાજપા કાર્યાલય શ્રીકમલમ્ ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર તથા પ્રદેશ સંગઠનમાં નવનિયુક્ત પ્રદેશ મંત્રી સીતાબેન પટેલના સન્માનનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સન્માન સમારોહ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર, શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે નટુજી ઠાકોર અને સીતાબેન પટેલનો સંગઠનાત્મક અનુભવ, કાર્યક્ષમતા અને સમર્પણ ગુજરાત પ્રદેશ ભાજપને વધુ મજબૂત બનાવશે. પાર્ટીના સંગઠનને તળિયા સ્તરે વધુ સક્રિય બનાવવાની અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ એકતા, શિસ્ત અને સંગઠન શક્તિ પર ભાર મૂક્યો હતો. કાર્યકરોને આવનારા સમયમાં સંગઠનના કાર્યક્રમો અને અભિયાનને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સન્માન સમારોહ ઉત્સાહભર્યા અને સંગઠનને નવી ઉર્જા આપતા માહોલમાં સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR