
- કૉલેજ ભવન, ડોરમેટ્રી હોલ અને કન્યા વિદ્યાલય પ્રવેશદ્વારનું લોકાર્પણ, પ્રતિમાનું અનાવરણ
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા તાલુકાના મેવડ મુકામે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કિસાનભારતી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના નવા ભવન, ડોરમેટ્રી હોલ તેમજ કન્યા વિદ્યાલયના પ્રવેશદ્વારના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ સાથે સમાજના અગ્રણી અને શિક્ષણપ્રેમી બહેચરભાઈ બી. ચૌધરીની પ્રતિમાના અનાવરણનો પણ ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા શિક્ષણ ક્ષેત્રે આંજણા સમાજના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજના સર્વાંગી વિકાસનું મજબૂત સાધન છે અને આવા આધુનિક શૈક્ષણિક માળખાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડશે.
કાર્યક્રમ દરમિયાન અખિલ આંજણા કેળવણી મંડળના આગેવાનો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. નવા ભવન અને સુવિધાઓથી ઉચ્ચ શિક્ષણ સાથે સાથે કન્યાઓના શિક્ષણને પણ નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને ગૌરવસભર માહોલમાં સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR