
જામનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) : આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર યોજાનાર પરેડમાં જામનગરની આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને NCC કેડેટ બાંભવા સોમ વિરમભાઈની પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ તેમણે સમગ્ર જામનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
આઈ.ટી.આઈ. જામનગરના મિકેનિક મોટર વેહિકલ ટ્રેડમાં અભ્યાસ કરતા અને ૨૭-ગુજરાત બટાલિયન NCC જામનગરના કેડેટ એવા બાંભવા સોમની પસંદગી તેમની સખત મહેનત અને શિસ્તને આધારે થઈ છે.
આ ગૌરવવંતી પરેડમાં ભાગ લેવાની સાથે-સાથે તેમને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન દ્વારા આયોજિત ખાસ ભોજન સમારંભ માટે પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જે એક કેડેટ માટે સર્વોચ્ચ સન્માન સમાન છે. કેડેટ બાંભવા સોમને આ સ્તર સુધી પહોંચાડવા માટે ૨૭-ગુજરાત બટાલિયનના NCC પી.આઈ. સ્ટાફ, સિનિયર કેડેટ્સ તથા લેફ્ટનન્ટ રમેશ જોષી દ્વારા અત્યંત સઘન તાલીમ આપવામાં આવી હતી.
આ સિદ્ધિ બદલ સંસ્થાના ટ્રેડ ઇન્સ્ટ્રકટર પવન ગઢવી, પ્રિન્સિપાલ આર. એસ. ત્રિવેદી, પ્રિન્સિપાલ જે. આર. શાહ તેમજ ૨૭-ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા નાયર દ્વારા કેડેટ સોમને ઉષ્માભર્યા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt