




- ધોરણ 1 થી 12 સુધીના વિધાર્થીઓને ઇનામ અને વિશેષ ઉપલબ્ધી મેળવી હોય તેનું સન્માન કરાયું
ભરૂચ 04 જાન્યુઆરી (હિ.સ.) : એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વર ખાતે સૌરાષ્ટ્રમાંથી લેઉવા પટેલ સમાજ આવી અહીં વસી કર્મભૂમિ બનાવી પુરુષાર્થ અને કુનેહથી ખૂબ વિકાસ કર્યો છે. 29 વર્ષ પહેલા શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની રચના કરી સરદારભવન બનાવ્યો ત્યારબાદ સમાજ દરેક સભ્યને સાથે લઈને વિવિધ કાર્યક્રમો કર્યા તેના ભાગરૂપે વિધાર્થીઓને સમાજ તરફથી પ્રોત્સાહન બળ આપવા 29 મો વાર્ષિક ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
લેઉવા પટેલ સમાજના ધોરણ 1 થી 10- 12 સુધીના વિધાર્થીઓને 1 થી 3 નંબર આવ્યા હોય તેને ઈનામ વિતરણ અને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજના દીકરા દીકરીઓમાં કોઈને વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવી હોય તેવા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં દીપપ્રાગટય, પ્રાર્થના મહેમાનોનું શાબ્દીક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકાર અપાયો હતો તેમજ નવનિયુક્ત ટ્રસ્ટીઓનું પણ આ તકે વિશેષ સન્માન કરાયું હતું. રાષ્ટ્રગીત કરી ત્યારબાદ મહાપ્રસાદમ્ નો લાભ લઈ રાત્રે ભવ્ય લોકડાયરાના કલાકાર કિશન રાદડિયા, કિરણ ગજેરા અને મૌલિક બરવાડિયાએ ભજનોની સુરાવલી છેડી સૌને મોજ કરાવી દીધી હતી.સમગ્ર કાર્યક્રમમાં સમાજના ટ્રસ્ટીગણ તેમજ સભ્યો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.
બાળકોમાં ત્રણ મર્યાદા છે જેને કારણે અભ્યાસ અને કારકિર્દી માટે દિશા નથી મળતી જેમાં 1) સારું આરોગ્ય નથી .2) કંઈક બનવાની પ્રબળ ઈચ્છા નથી અને 3) માતા પિતાની આર્થિક પરિસ્થિતિનો અહેસાસ નથી .પાટીદાર સમાજ દુનિયાનો પ્રગતિશીલ સમાજ છે. આવનારો સમય સમજણથી જીવવું પડે તેવો આવી રહ્યો છે. નવું સમાજ ભવન મહત્વનું કેન્દ્ર બનશે તેવું કાનજીભાઈ ભાલાળા (સુરત) એ જણાવ્યું હતું.
બાળકોને આ સન્માનથી બેસી રહેવાનું નથી આ તમારી શરૂઆત છે .ધ્યેય ઊંચો રાખો જેથી સમાજ ,રાજ્ય અને દેશને ગૌરવ અપાવી શકો.આપણે નવા સમાજ માટે જગ્યા રાખી છે તેમાં સમાજભવન ,હોસ્ટેલ,સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેવા સમાજ ઉપયોગી પ્રકલ્પો નિર્માણ કરવાના છે જેથી સહયોગ આપવા અપીલ વિનોદ જાગાણી (પ્રમુખ લેઉવા પટેલ સમાજ અંકલેશ્વર) એ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ