જામનગર-કાલાવડ હાઈવે ઉપર ખંઢેરા હાઈવે ઉપર એસટી બસ પલટી મારી જતાં 20થી વધુ મુસાફરોને ઈજા
જામનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ નજીક ખંઢેરા ગામ પાસે ગઈકાલે રાત્રે એક એસ.ટી. બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા ચાલીસ મુસાફરો પૈકી 20 મુસાફરો ને નાની મોટી ઈજા થઈ હતી, અને કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. જે પ
અકસ્માત


જામનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ નજીક ખંઢેરા ગામ પાસે ગઈકાલે રાત્રે એક એસ.ટી. બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા ચાલીસ મુસાફરો પૈકી 20 મુસાફરો ને નાની મોટી ઈજા થઈ હતી, અને કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. જે પૈકી પાંચ મુસાફરોને વધુ ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગર રીફર કરાયા છે. પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જુનાગઢ કાલાવડ રૂટની જી.જે. 18 ઝેડ.ટી. 1597 નંબરની એસટી બસ કે જે ગઈકાલે મોડી સાંજે જુનાગઢ તરફથી પરત ફરીને કાલાવડ તરફ આવી રહી હતી. જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર કાલાવડ નજીક ખંઢેરા ગામના પાટીયા પાસે એસટી બસના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી ગઈ હતી.

જે અકસ્માતને લઈને બસમાં બેઠેલા 40 જેટલા મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો હતો. આ બનાવવાની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય નો પોલીસ સ્ટાફ, તથા 108 ની ટુકડી અને કેટલાક અન્ય સામાજિક કાર્યકરો વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ઇજાગ્રસ્તો ને સારવારમાં પહોંચાડવા માટે મદદ કરી હતી.

કુલ 20 મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને તેઓને સૌપ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક મહિલાને એક બાળક સહિત પાંચ મુસાફરોને વધુ ઈજા થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામની હાલ સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતના બનાવ અંગે એસટી બસમાં મુસાફરી કરી રહેલા કાલાવડ ના શીતલા કોલોનીમાં રહેતા પાયલબા ઘોઘુભા જાડેજાએ એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે એસટી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં એસટી બસના ચાલક અને કંડકટરને પણ ઈજા થઈ હોવાથી તેઓને સારવાર અપાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande