
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ મહેસાણા જિલ્લોના ઘટક–મહેસાણા–૩ હેઠળ આવતા લીંચ ગામ ખાતે સચિવ દ્વારા આંગણવાડી કેન્દ્ર નં. ૧૩૧, ૧૩૨ અને ૧૩૬ ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો હેતુ આંગણવાડી કેન્દ્રોમાં ચાલી રહેલી કામગીરી, બાળકોને મળતી પોષણ તથા આરોગ્ય સેવાઓ અને સરકારની મહિલા તથા બાળ વિકાસ સંબંધિત યોજનાઓના અમલની સમીક્ષા કરવાનો હતો.
મુલાકાત દરમિયાન સચિવએ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા બાળકોની સંખ્યા, તેમની હાજરી, ઉંમર મુજબની વિગતો તથા વૃદ્ધિ મોનીટરીંગ સંબંધિત રેકર્ડની ચકાસણી કરી હતી. બાળકોને આપવામાં આવતાં પોષણ આહારની ગુણવત્તા, નિયમિતતા તેમજ સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ગર્ભવતી અને ધાત્રી માતાઓને આપવામાં આવતી સેવાઓ અંગે પણ માહિતી મેળવી હતી.
આંગણવાડી કેન્દ્રની ભૌતિક સુવિધાઓ જેમ કે પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા, શૌચાલય અને આસપાસની સ્વચ્છતા અંગે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અંતે સચિવએ આંગણવાડી કાર્યકરોને જરૂરી સૂચનાઓ આપી, રેકર્ડ સમયસર અપડેટ રાખવા, બાળકોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા તથા પોષણ અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાતથી લીંચ ગામના આંગણવાડી કેન્દ્રોની કામગીરી વધુ સશક્ત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR