
મહેસાણા,, 04 જાન્યુઆરી (હિ.સ.) સતલાસણા તાલુકોના ઉમરેચા ગામ ખાતે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અન્વયે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામના પાત્ર લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ ઝડપી અને પારદર્શક રીતે મળી રહે તે રહ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ઉમરેચા ગામના લાભાર્થીઓને અલગ–અલગ યોજનાઓ અંતર્ગત મંજૂરી હુકમો તેમજ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આવાસ, પુરવઠા, પેન્શન, આરોગ્ય, શિક્ષણ, સામાજિક સુરક્ષા અને અન્ય વિકાસલક્ષી યોજનાઓનો સમાવેશ થતો હતો. લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ગ્રામજનોને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ગ્રામજનોએ પોતાની અરજી, પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી, જેને સ્થળ પર જ ઉકેલવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમથી ઉમરેચા ગામના લોકોમાં સરકારની યોજનાઓ અંગે જાગૃતિ વધી છે અને ગામના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR