
સુરત, 04 જાન્યુઆરી (હિ.સ.) : સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવક એક સંતાનનો પિતા હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકની લાશ તેના ઘરમાં પંખા સાથે દોરી બાંધેલી હાલતમાં મળી આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, યુવક અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. દંપતિ વચ્ચે થયેલા ઝઘડાં બાદ પત્ની પિયરમાં જતી રહી હતી. ત્યારબાદ યુવકનું મૃત્યુ થતાં પરિવારે આ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી છે.
મૃતકના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે યુવકનું મોત સ્વાભાવિક આપઘાત ન હોઈ શકે. તેમના જણાવ્યા પ્રમાણે લાશ જે સ્થિતિમાં મળી હતી તે જોઈને માર મારીને ફાંસીએ લટકાવવામાં આવી હોવાની આશંકા ઉભી થાય છે. પરિવારનો દાવો છે કે તેમને આ ઘટનાની જાણ પણ મોડેથી કરવામાં આવી હતી.
પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી છે કે આ સમગ્ર મામલે તમામ પાસાઓથી તપાસ કરવામાં આવે અને જો કોઈ દોષિત હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘટનાના સાચા કારણો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે