
પાટણ, 04 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં લાંબા સમયથી રખડતા આખલાના આતંકથી ગ્રામજનો પરેશાન હતા. આખલાના હુમલામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ગંભીર સમસ્યા અંગે વેપારીઓ અને ગ્રામજનોએ સ્થાનિક મહિલા સરપંચના પતિ જયેન્દ્ર સિંહ સમક્ષ રજૂઆત કરી હતી. લોકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને જયેન્દ્ર સિંહે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. તેમની આગેવાની હેઠળ ગ્રામજનો અને રણુજા ગ્રુપના સ્વયંસેવકો દ્વારા સાંતલપુર ગામ અને બજાર વિસ્તારમાં રખડતા આખલાને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી. આ કામગીરી દરમિયાન 30થી વધુ આખલાને સફળતાપૂર્વક પકડવામાં આવ્યા.
પકડાયેલા તમામ આખલાને સુરક્ષિત રીતે સાંતલપુર સ્થિત ખીમેશ્વર ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી ગામમાં ફરી શાંતિ અને સુરક્ષાનો માહોલ સર્જાયો છે, અને ગ્રામજનોએ આ લોકહિતના કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ