આંકલાવના અંબાવ ગામના ખેડૂતે, ભ્રષ્ટાચારની ફરિયાદ મુખ્યમંત્રીને કરી,જીવતો સળગાવવાનો પ્રયાસ
વડોદરા,05 જાન્યુઆરી (હિ.સ.) મધ્ય ગુજરાતમાં આવેલ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના ખેડૂતે મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી તો, જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો.ખેડૂતને અત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્
આંકલાવના અંબાવ ગામના ખેડૂતે, ભ્રષ્ટાચારની ફરિયાદ મુખ્યમંત્રીને કરી,જીવતો સળગાવવાનો પ્રયાસ


વડોદરા,05 જાન્યુઆરી (હિ.સ.) મધ્ય ગુજરાતમાં આવેલ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના ખેડૂતે મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી તો, જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો.ખેડૂતને અત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના ખેડૂતે, મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી એટલે મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને હાલ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ખેડૂતે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો એટલે મેં આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, તેથી અમે મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું.

જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી મને ધમકી આપવામાં આવી. બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને સંદેશા મોકલાવવામાં આવ્યા કે 'તમને જીવતા નહીં છોડીએ', તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે હું દળણું દળાવવા માટે ગયો હતો. ત્યાં અચાનક સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા. તેમણે મને ગડદાપાટુનો માર માર્યો.

માર મારતા મારતા તેઓ મને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને મને પકડી રાખ્યો, નિલેશભાઈએ મારા પર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી. દિનેશભાઈએ મને લાત મારીને પાડી દીધો અને પછી મને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

સખત રીતે દાઝેલી હાલતમાં ભરતભાઈને આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભરતભાઈની સ્થિતિ હાલ નાજુક છે. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત કુલ પાંચ વિરૂદ્ધ મારામારી, હત્યાના પ્રયાસની ક્લમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande