
સુરત, 05 જાન્યુઆરી (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રદ્ધાળુઓ માટે રવિવારનો દિવસ દુઃખદ સાબિત થયો હતો. પલસાણા ખાતે આયોજિત શિવ મહાપુરાણ કથા સાંભળી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓના ટેમ્પાને સચિન કપલેટા નજીક ટ્રકે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં 27 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ટેમ્પામાં સવાર અન્ય 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, પાંડેસરા પોલીસ કોલોનીમાં રહેતા અને આણંદ ખાતે વકીલાતનો અભ્યાસ કરતી નીરૂબેન રાજેશભાઈ પ્રજાપતિ રવિવારે પોતાની સોસાયટીના અન્ય સભ્યો સાથે ટેમ્પો ભાડે કરીને પલસાણા શિવ મહાપુરાણ કથા સાંભળવા ગયા હતા.
કથા પૂર્ણ થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ રાત્રિના સમયે સુરત પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સચિન કપલેટા ચેકપોસ્ટ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રક ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં ટેમ્પાને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટેમ્પો રોડ પર પલટી મારી ગયો અને તેમાં સવાર લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર ફંગોળાયા હતા.
અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત નીરૂબેન પ્રજાપતિનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોમાં મોનુ ગુપ્તા, વંદના પટેલ, મમતા તિવારી, રેખા ગુપ્તા, જ્યોતિ ગુપ્તા, ઘ્યાંતિ કહાર, રેખા અને જ્યાદેવી પ્રજાપતિનો સમાવેશ થાય છે.
આશાસ્પદ વકીલાત કરતી યુવતીના અચાનક નિધનથી પાંડેસરા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે