
- મૃતકની ઇચ્છાનુસાર તેમની બહેનોને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત દીપાવલી વિશેષાંકનું કરાયું દાન
વડોદરા, 05 જાન્યુઆરી (હિ.સ.) વડોદરા ખાતે રહેવા એક પરિવારે તેમના ઘરના મોભીની મરણોત્તર ધાર્મિક ક્રિયામાં પુસ્તકોનું દાન કરી અનોખો દાખલો બેસાડ્યો છે. વાંચનરસિયા એવા આ મોભીનું થોડા સમય પૂર્વે અવસાન થયું હતું. બાદમાં આજે ત્રયોદશાહ શ્રાદ્ધ, સરવણી (બારમુ-તેરમુ)ની વિધિ દરમિયાન આપવાના થતાં દાનમાં તેમણે પુસ્તકો પણ રાખ્યા હતા.
અહીંના વાઘોડિયા રોડ ઉપર રહેતા 75 વર્ષીય જનક રતિલાલ વ્યાસ, થોડા દિવસો પહેલા અકલકોટ ખાતે યાત્રા માટે ગયા હતા. જ્યાં મંદિરમાં જ તેમણે હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. આ હુમલો તેમના માટે ઘાતક સાબિત થયો હતો અને તેમનું અવસાન થયું હતું.
જનક વ્યાસ દેના બેંકમાંથી મેનેજર પદેથી નિવૃત્ત થયા હતા. વાંચન તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. ખાસ કરીને રાજ્ય સરકારના માહિતી ખાતાના દીપાવલી અંક તેઓ રસપૂર્વક વાંચી મહારાષ્ટ્રના પૂણા ખાતે રહેતા તેમના બહેનને વાંચવા માટે મોકલતા હતા. પણ આ વખતે તેઓ સંજોગોવસાત મોકલી શક્યા નહોતા.
તેથી તેમના પરિવારજનોએ સરવણીની ધાર્મિક વિધિ દરમિયાન આપવાના થતાં વિવિધ પ્રકારના દાનમાં પુસ્તકો પણ દાનમાં આપવાનો નિર્ણય કર્યો હતો.
શાસ્ત્રી હિરેન ત્રિવેદીએ કહ્યું કે, મરણોત્તર ધાર્મિક ક્રિયામાં 14 વસ્તુઓના દાન સામાન્ય રીતે આપવામાં આવે છે. જેમાં અન્ન, કુંભ, દીપ, ગૌ, શૈયા અને પદ, તલ, છત્રી, કમંડલ, પગરખા સહિતની વસ્તુઓનું દાન આપવામાં આવે છે. મૃતક કોઇ દાન આપવા માંગતા હોય અને એ બાકી રહી ગયું હોય તો તે ઋણમાંથી મુક્ત થવા માટે પણ દાન આપવામાં આવે છે.
આ બાબતને ધ્યાને રાખી પરિવારજનો દ્વારા મૃતક જનકભાઇની સરવણીના ક્રિયામાં દાન સ્વરૂપે પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા.
ખાસ કરીને રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત દીપાવલી અંકનું પણ દાન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ દાન બહેનોને આપવામાં આવે છે. સ્વ. જનકભાઇની બહેનને આંખમાં અશ્રુધારા સાથે આ દાન સ્વીકાર્યું હતું.
મૃતકની પાછળ પુસ્તકરૂપે જ્ઞાનનું પણ દાન કરવાનો સ્તુત્ય માર્ગ આ વ્યાસ પરિવારે કંડાર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ