
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે રાજસ્થાન રાજ્યનો પાંચ દિવસનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓને રાજસ્થાનના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વારસાથી પરિચિત કરાવવાનો હતો.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ જયપુર, ઉદયપુર, જોધપુર, ચિત્તોડગઢ, સાવરિયા શેઠ, ખાટુશ્યામ તથા પ્રાચીન જૈન દેરાસરો સહિતના મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી. આમેર કિલ્લો, સિટી પેલેસ, હવા મહેલ અને મહેરાનગઢ કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળોની માહિતી માર્ગદર્શકો દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રવાસથી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે રસ વધ્યો તેમજ ટીમવર્ક, શિસ્ત અને સામાજિક સહકાર જેવા ગુણો વિકસ્યા. શાળાના આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું કે આવા પ્રવાસો સર્વાંગી વિકાસ માટે ઉપયોગી છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં એક દિવસીય શૈક્ષણિક પિકનિકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ