
અમરેલી,05 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામેથી ડુપ્લીકેટ ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોવાની મોટી કાર્યવાહી સામે આવી છે. મોટા આંકડિયા પીપળલગ માર્ગની નીરી વિસ્તારમાં આવેલી એક એગ્રી પ્રોડક્ટ કંપનીમાંથી નકલી ખાતર બનાવાતું હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. બાબરાના ખંભાળા ખાતેથીઇફકોની થેલીમાં નકલી ખાતર મળ્યા બાદ તપાસ આગળ વધારતા આ ફેક્ટરી સુધી તપાસની કડી પહોંચી હતી.
કાર્યવાહી દરમિયાન હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 થેલીઓ, POLYHALITE–IPL ખાતર ભરેલા 25 બેગ, ગુજરાત સરદાર ફર્ટિલાઈઝરના 5600 ખાલી બેગ અને હલકી ગુણવત્તાનું ખાતર બનાવવાની મશીનરી નંગ-3 જપ્ત કરવામાં આવી છે. કુલ રૂ. 16 લાખ 74 હજારના મુદ્દામાલ સાથે **અમરેલી એસ.ઓ.જી.**ને મોટી સફળતા મળી છે.
આ સમગ્ર નેટવર્ક ખેડૂતોને ભ્રમિત કરી નકલી ખાતર વેચવાનું કામ કરતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવટી ખાતરથી ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા હોવાને કારણે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઘટનામાં ભરત ચીમન ધાનાણી નામનો આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતર કૌભાંડ સામે, વહીવટીતંત્ર વધુ સખત કાર્યવાહી કરશે તેવી જાણકારી પણ આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai