



પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા કમિશનર એચ. જે. પ્રજાપતિની સૂચનાથી શહેરને સ્વચ્છ તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સતત અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી તથા શહેરના વિવિધ વોર્ડના સેનિટરી સબ-ઇન્સ્પેક્ટરો દ્વારા તા. 01 જાન્યુઆરીથી તા. 31 ડિસેમ્બર 2025 દરમિયાન સમગ્ર શહેરમાં વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ (ઝબલા)નો ઉપયોગ કરી ગ્રાહકોને આપતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં કુલ 310 વેપારીઓ પાસેથી રૂ. 1,27,850 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે, તથા 3153 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિઓ, વેપારીઓ તેમજ જાહેર સ્થળોએ દબાણ કરનાર કુલ 843 લોકો સામે 2,27,980 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રીતે સેનિટેશન વિભાગ દ્વારા કુલ 3,55,830 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ કચરાને હંમેશા ડસ્ટબિનમાં એકત્ર કરી મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા વાહનમાં નાંખવા અપીલ કરવામાં આવી છે.અન્યથા મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. 100 થી રૂ. 5000 સુધીનો દંડ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya