
જૂનાગઢ, 05 જાન્યુઆરી (હિ.સ.) : વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ સાથે અણધારી દુર્ઘટના સર્જાઈ. સિંહણને બેભાન કરવા માટે છોડાયેલું એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ભૂલવશ વન વિભાગના ટ્રેકર અશરફભાઈ ચૌહાણને વાગતાં, સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ થયું. ગીરના ઇતિહાસમાં આવી ઘટના પ્રથમવાર બની હોવાનું મનાય છે.
રવિવારે નાની મોણપરી ગામે 4 વર્ષના શિવમ નામના બાળક પર સિંહણે હુમલો કરી મોત નિપજાવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બાદમાં વન વિભાગે માનવભક્ષી સિંહણને પકડવા યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કર્યું. સિંહણની લોકેશન મળતાં જ તેને બેભાન (Tranquilize) કરવા માટે ટ્રેન્ક્યુલાઇઝર ગન ચલાવવામાં આવી, પરંતુ દુર્ભાગ્યવશ ડાર્ટ સિંહણને લાગવાને બદલે સ્થળ પર હાજર ટ્રેકર અશરફભાઈને વાગી ગયું.
સામાન્ય રીતે સિંહ જેવા જંગલી પ્રાણીને બેભાન કરવા માટે દવાનો ડોઝ બહુ ઊંચો હોય છે. આ ભારે માત્રાનો ઇન્જેક્શન શરીરમાં પ્રવેશતા જ અશરફભાઈની તબિયત બગડી. તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રવિવાર રાતથી તેમની હાલત અત્યંત નાજુક રહી અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબીબોની ભારે મહેનત છતાં, આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. ફરજ દરમિયાન થયેલા આ અકસ્માતથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર સ્ટાફમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે