
મહેસાણા,05 જાન્યુઆરી (હિ.સ.) પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને શારીરિક તાલીમ મળી રહે તે હેતુસર બેચરાજી પોલીસ દ્વારા ગ્રાઉન્ડમાં વિનામૂલ્યે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના યુવાનોને પોલીસ સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.
આ તાલીમ કેમ્પમાં દોડ, કસરત, પરેડ, શારીરિક ફિટનેસ તેમજ પોલીસ ભરતી માટે જરૂરી માપદંડોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અનુભવી પોલીસ કર્મચારીઓ દ્વારા યુવાનોને નિયમિત અભ્યાસ, શિસ્ત અને આત્મવિશ્વાસ ની મહત્તા સમજાવવામાં આવી હતી.
ગુજરાત પોલીસના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવાનોએ જણાવ્યું કે, આ પ્રકારની વિનામૂલ્યે તાલીમથી તેમને આર્થિક રીતે સહારો મળ્યો છે તેમજ યોગ્ય દિશામાં તૈયારી કરવાની તક મળી છે.
બેચરાજી પોલીસ દ્વારા લેવામાં આવેલી આ પહેલને સ્થાનિક સ્તરે વખાણ મળ્યા છે. યુવાનોમાં પોલીસ ભરતી પ્રત્યે જાગૃતિ વધે તેમજ તેઓ શારીરિક અને માનસિક રીતે સજ્જ બને તે માટે આવનારા સમયમાં પણ આવા તાલીમ કાર્યક્રમો યોજવાની તૈયારી હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR