
અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ–ભાવનગર નેશનલ હાઈવે પર ગત રાતે એક કરુણ ઘટના સામે આવી છે. હેમાળ અને શેલણા ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે એક સિંહણને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં અંદાજે પાંચ વર્ષીય સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ માર્ગ ગીર પંથક નજીક આવેલો હોવાથી સિંહોની અવરજવર અવારનવાર જોવા મળે છે. રાત્રિના સમયે વાહનોની તેજ ગતિ અને અંધારાના કારણે આવા અકસ્માતોની સંભાવના વધી રહી છે. સિંહણના મોતની જાણ થતાં જ વન વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા અલગ–અલગ ટીમો બનાવી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરાઈ છે. સીસીટીવી ફૂટેજ, હાઈવે પરના કેમેરા અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. મૃત સિંહણના દેહને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર ખાતે લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટના ફરી એકવાર સિંહ સંરક્ષણ અને હાઈવે પર વાહન ગતિ નિયંત્રણની જરૂરિયાતને ઉજાગર કરે છે. ગીર આસપાસના હાઈવે પર સાવચેતીના પગલાં વધુ મજબૂત બનાવવા સ્થાનિક લોકો દ્વારા પણ માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai