
- આજે વધુ 44 લારીઓ બંધ કરાવાઈ, રાત્રે 10 વાગ્યા સુધી ડ્રાઈવ ચાલુ રહેશે
ગાંધીનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના વધતા કેસોને નિયંત્રણમાં લેવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખાદ્યપદાર્થોનું ખુલ્લામાં વેચાણ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આજની કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા કુલ 44 જેટલી લારીઓ અને ખાણીપીણીના સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા છે. જેમાં 18 પાણીપુરી અને રગડાની લારીઓ, 13 સોડા વેચતા એકમો, 7 પ્રેમ મેવાડ ફ્રુટ સલાડ તથા બદામ શેકના સ્ટોલ અને 6 બરફના ગોળાની લારીઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ બિનઆરોગ્યપ્રદ રીતે વેચાણ થતું હોવાથી અથવા રોગચાળો ફેલાવાની ભીતિ હોવાથી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરી તેમને બંધ કરાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની કામગીરી માત્ર દિવસ પૂરતી સીમિત નથી. તંત્ર દ્વારા આજે વિશેષ તકેદારીના ભાગરૂપે રાત્રિના સમયે પણ ચેકિંગ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે આજે સાંજે 8 થી રાત્રે 10 કલાક દરમિયાન પણ એસ્ટેટ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમો ફિલ્ડમાં કાર્યરત રહેશે અને કોઈ વિક્રેતા દ્વારા સૂચનાનો ભંગ કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરશે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જ્યાં સુધી શહેરમાં રોગચાળાની સ્થિતિ સંપૂર્ણ કાબુમાં ન આવે ત્યાં સુધી આ પ્રકારે આકસ્મિક ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ