
નવસારી, 05 જાન્યુઆરી (હિ.સ.): નવસારી-ગણદેવી મુખ્ય માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાવાની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે શેરડી ભરેલી એક ઓવરલોડ ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવતા રોડના ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયજનક હતો કે થોડા સમય માટે માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર ટ્રકમાં ક્ષમતાથી વધારે શેરડી ભરવામાં આવી હતી, જેના કારણે વજનનું સંતુલન બગડતાં ડ્રાઈવર ટ્રક પર કાબૂ રાખી શક્યો નહોતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ ટ્રક રોડ પર પલટી ગઈ અને તેમાં ભરેલી શેરડી ચારેય તરફ ફેલાઈ ગઈ હતી.
સદનસીબે ઘટનાના સમયે આસપાસ અન્ય વાહનોની અવરજવર ઓછી હતી, જેથી મોટો અકસ્માત અને જાનહાનિ થવાથી બચી શકાયું. ટ્રકના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
અકસ્માત બાદ થોડા સમય માટે નવસારી-ગણદેવી રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. સ્થાનિક લોકો તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને શેરડી હટાવી ટ્રકને રસ્તાની સાઈડમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે