’આત્મનિર્ભર ભારત’ તરફ ગુજરાતના કદમ: રાજ્યમાં કઠોળનું ઉત્પાદન માત્ર 6 વર્ષમાં બમણું થયું
ગાંધીનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ''આત્મનિર્ભર ભારત'' મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. ખ
કઠોળ


ગાંધીનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. ખાસ કરીને ચણા અને તુવેરના ઉત્પાદનમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે.

છેલ્લા ૬ વર્ષ દરમિયાન રાજ્યમાં કઠોળ પાકની ઉત્પાદકતામાં સવા ગણો, વાવેતર વિસ્તારમાં દોઢ ગણો અને ઉત્પાદનમાં બમણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યમાં કઠોળ પાકોનો કુલ વાવેતર વિસ્તાર ૯ લાખ હેક્ટર, ઉત્પાદન ૧૦.૫૮ લાખ મેટ્રિક ટન અને ઉત્પાદકતા ૧,૧૭૩ કિગ્રા પ્રતિ હેક્ટર હતી. જ્યારે, વર્ષ ૨૦૨૪-૨૫માં કઠોળ પાકોનો કુલ વાવેતર વિસ્તાર ૧૪.૩૯ લાખ હેક્ટર, ઉત્પાદન ૨૧.૫૨ લાખ મેટ્રિક ટન અને ઉત્પાદકતા ૧,૪૯૫ કિગ્રા પ્રતિ હેક્ટર નોંધાઈ છે.

ગુજરાતમાં ચણા એ સૌથી મહત્વનો કઠોળ પાક છે, જે રાજ્યના કુલ કઠોળ ઉત્પાદનમાં ૭૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યમાં ચણાનું કુલ ઉત્પાદન ૬.૩૬ લાખ મેટ્રિક ટન હતું, જેની સામે અઢી ગણા વધારા સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫.૬૩ લાખ મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું હતું.

તેવી જ રીતે, તુવેરના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશના મોખરાના રાજ્યોમાં સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યમાં તુવેરનું કુલ ઉત્પાદન ૨.૧૦ લાખ મેટ્રિક ટન હતું, જેની સામે ૪૫ ટકાની વૃદ્ધિ સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં ૩.૦૮ લાખ મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું હતું.

આ ઉપરાંત અડદ, મગ અને મઠ જેવા અન્ય કઠોળ પાકોનું પણ હવે ગુજરાતમાં પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યમાં અડદનું ૧.૧૪ લાખ હેક્ટરમાં વાવેતર અને આશરે ૯૦,૦૦૦ મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું હતું. તેવી જ રીતે, મગનું ૧.૩૮ લાખ હેક્ટરમાં વાવેતર અને આશરે ૧.૨૬ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.

મઠ એ મુખ્યત્વે સૂકા અને અર્ધ-સૂકા વિસ્તારોનો પાક છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં મઠનું વાવેતર વધુ જોવા મળે છે. આ ઉપરાંત ચોળા, વાલ અને વટાણા પણ ગૌણ કઠોળ તરીકે લેવામાં આવે છે. મઠ સહિતના અન્ય કઠોળ પાકોનું વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૨,૦૦૦ હેક્ટરમાં વાવેતર અને ૬૪,૦૦૦ મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન નોંધાયું હતું.

ગુજરાતમાં કઠોળના પાકમાં થયેલી આ ક્રાંતિ પાછળ રાજ્ય સરકારની અનેક મહત્વપૂર્ણ પહેલો જવાબદાર છે. 'સૌની યોજના' અને 'સુજલામ સુફલામ' જેવી યોજનાઓ દ્વારા રવિ અને ઉનાળુ પાક માટે પાણીની ઉપલબ્ધતા વધી છે. વળી, સરકાર દ્વારા કઠોળના ટેકાના ભાવમાં ૧૧ થી ૩૧ ટકા જેટલો વધારો કરવામાં આવતા ખેડૂતો કઠોળની ખેતી તરફ વળ્યા છે.

આ ઉપરાંત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિકસાવવામાં આવેલી 'ગુજરાત ચણા-૩' અને ‘ગુજરાત મગ-૪' જેવી સુધારેલી જાતોથી હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધ્યું છે. સાથે જ, રાજ્યમાંથી કઠોળની નિકાસ બમણી થતા વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande