

- અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ રવિ સીઝનમાં અંદાજિત 2,45,077 હેક્ટર વિસ્તારમાં વાવેતર
- ચણા અને ડુંગળી પાકના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે નોંધપાત્ર વધારો નોંધાયો
અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાતમાં અમરેલી જિલ્લામાં રવિ સીઝન 2025-26 દરમિયાન થયેલ વાવેતરની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ અંદાજિત કુલ વાવેતર વિસ્તાર 1,84,108 હેક્ટરની સરખામણીએ ચાલુ વર્ષ રવિ સીઝનમાં અંદાજિત 2,45,077 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જે અમરેલી જિલ્લામાં રવિ સીઝન માટે અત્યાર સુધીનું સૌથી વધુ વાવેતર હોવાનું નોંધપાત્ર રીતે સામે આવ્યું છે.
ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે રવિ સીઝનમાં 133 ટકાથી વધુ વાવેતર નોંધાયું છે, જે અમરેલી જિલ્લા માટે કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
સમગ્ર રાજ્યની સરખામણીએ અમરેલી જિલ્લામાં રવિ સીઝનમાં વાવેતરના મામલે ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. તેમજ ચણા અને ડુંગળી પાકના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે નોંધપાત્ર વધારો નોંધાયો છે.
જિલ્લામાં રવિ સીઝનમાં મુખ્ય પાકોના અંદાજિત વાવેતર વિસ્તાર મુજબ ચણા પાકનું 1,11,333 હેક્ટર, ઘઉં પાકનું 64959,હેક્ટર, ડુંગળી-લસણ પાકનું 22081 હેક્ટર, ધાણા પાકનું 15252 હેક્ટર તથા જીરૂ પાકનું 6907 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે.
રવિ સીઝન 2025-26 દરમિયાન તાલુકા પ્રમાણે કુલ વાવેતર વિસ્તારની વિગતો મુજબ સાવરકુંડલા તાલુકામાં અંદાજિત 40541 હેક્ટર, બાબરા તાલુકામાં 38256 હેક્ટર, ધારી તાલુકામાં 28364 હેક્ટર, અમરેલી તાલુકામાં 27858 હેક્ટર, કુંકાવાવ–વડિયા તાલુકામાં 25834 હેક્ટર, ખાંભા તાલુકામાં 20861 હેક્ટર, રાજુલા તાલુકામાં 18418 હેક્ટર, બગસરા તાલુકામાં 17946 હેક્ટર, લાઠી તાલુકામાં 17042 હેક્ટર, જાફરાબાદ તાલુકામાં 6005 હેક્ટર તથા લીલીયા તાલુકામાં 2952 હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું છે.
આ રેકોર્ડબ્રેક વધારાના મુખ્ય કારણોમાં પાછલા સમયમાં થયેલ ભારે કમોસમી વરસાદથી થયેલ પાણીનો સંગ્રહ, ધરતીપુત્રોની અથાગ મહેનત તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ કૃષિ માર્ગદર્શન અને વિવિધ યોજનાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલ છે. હાલ ફીલ્ડ સ્તરેથી પ્રાપ્ત થયેલ અહેવાલો મુજબ તમામ પાકોની સ્થિતિ ખુબ સારી જણાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને ધાર્યા મુજબનું ઉત્પાદન મળવાની શક્યતાઓ ઉજળી બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ