



પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુરમાં વિદ્યાભારતી સંલગ્ન અભિનવ હાઇસ્કુલ અને સરસ્વતી શિશુ મંદિરે વિદ્યોતેજક મંડળ તથા લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ દ્વારા ‘સપ્તશક્તિ માતૃ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ ચેતનાબેન રાજપૂત અને વક્તા અલકાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનમાં કુટુંબ પ્રબોધન, વર્તમાન સમયમાં મહિલાઓનું યોગદાન અને વિરાંગનાઓના પરિચય જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વક્તા અલકાબેન ઠક્કરે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું, જ્યારે ધોરણ 6ની બાલિકાઓ દ્વારા વિરાંગનાઓની વેશભૂષા સાથે રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી, સમૂહ ગીત, અનુભવ કથન અને ઉદબોધનો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિલ્પા દ્વારા કરવામાં આવ્યું હતું અને સરોજબેન પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી. મહિલાઓની સક્રિય ભાગીદારીથી સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ