જામનગરમાં ઘાસચારો વેચનારા બે ધંધાર્થીઓએ પાલિકાના કર્મચારીની પાછળ પાવડો લઈને દોટ મૂકી
જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં ઘાસચારો વેચનારાઓ સામે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કેટલ પોલિસી મામલે કડક હાથે અને જપ્તીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે સોમવારે સવારે રણજીત સાગર રોડ પર મારુ કંસારા હોલ પાસે જાહેરમાં ઘાસચારો વેચન
હુમલાનો પ્રયાસ


જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં ઘાસચારો વેચનારાઓ સામે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કેટલ પોલિસી મામલે કડક હાથે અને જપ્તીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

દરમિયાન આજે સોમવારે સવારે રણજીત સાગર રોડ પર મારુ કંસારા હોલ પાસે જાહેરમાં ઘાસચારો વેચનારા બે શખ્સોએ હંગામો મચાવ્યો હતો, અને મહાનગરપાલિકાની ફરજ પરની ટીમને મારવા માટે પાવડા સાથે દોટ લગાવતાં ભારે દોડધામ થઈ હતી, અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યાં પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

મહાનગરપાલિકાના એસ.એસ.આઈ. દીપકભાઈ પરમાર આજે સવારે રણજીતસાગર રોડ પર ઘાસચારો જાહેરમાં વેચનારાઓ સામે જપ્તીકરણની કાર્યવાહી કરવા માટે ગયા હતા, જે દરમિયાન ઘાસના બે વિક્રેતાઓ ઉશ્કેરાયા હતા અને પાવડો લઈને ફરજ પરના કર્મચારી પાછળ દોડતા ભારે નાસભાગ થઈ હતી. આ હંગામા સમયે રણજીતસાગર રોડ પરનો ટ્રાફિકજામ થયો હતો, અને આખરે પોલીસ તંત્રએ દોડવું પડ્યું હતું.

મહાનગરપાલિકાના કર્મચારી ઉપર હુમલાના પ્રયાસ અને અપશબ્દોની રમઝટના મામલે આસી. કમિશનર મુકેશ વરણવા તથા ઉર્વશીબેન ઘટના સ્થળે પહોંચ્યા હતા, આખરે આ મામલાને પોલીસમાં લઈ જવાયો છે, અને એસ.એસ.આઈ દ્વારા પોતાના પર હુમલાનો પ્રયાસ અને ફરજમા રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande